રાજા રામમોહન રાય : સતીપ્રથા નાબૂદ કરાવનાર આધુનિક ભારતના જનક

રાજા રામમોહન રાયને ભારતીય નવજાગરણના પિતા અને અને આધુનિક ભારતના જનક પણ કહેવામાં આવે છે. રાજા રામમોહન રાય એક મહાન સમાજ સુધારક, પત્રકાર, લેખક અને રાજદૂત હતા. રાજ રામમોહન રાય સતીપ્રથા, બાળ લગ્ન, બહુપત્નીત્વ અને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ જેવી કુપ્રથાઓના ઘોર વિરોધી હતા. રાજા રામમોહન રાયે સતીપ્રથાને નાબૂદ કરાવી વિધવા સ્ત્રીઓના જીવનને નવો વળાંક આપ્યો હતો.

રાજા રામ મોહન રાયની તસ્વીર
Image Sources : Internet


રાજા રામમોહન રાયનો જન્મ અને તેમનો પરિવાર (Raja Ram Mohan Roy Birthday and his family)

રાજા રામમોહન રાયનો જન્મ ભારતના બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગરમાં 22 મે, 1772 માં એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રમાકાંત અને માતાનું નામ તારિણી દેવી હતું. રાજા રામમોહન રાયના દાદા કૃષ્ણકાંત બંદોપાધ્યાય એક પ્રખ્યાત રારહી બ્રાહ્મણ હતા.

રાજ રામમોહન રાયના પ્રથમ લગ્ન ફક્ત 9 વર્ષની ઉંમરે કરવામાં આવ્યા હતા. તેમની પહેલી પત્નીનું લગ્નના ટૂંક સમયમાં જ અવસાન થયું હતું. 10 વર્ષની ઉંમરે તેમને બીજા લગ્ન કરાવવામાં આવ્યા. રાજા રામમોહન રાયની બીજી પત્નીએ બે પુત્રોને જન્મ આપ્યો હતો. બીજી પત્નીનું અવસાન થતા રાજા રામમોહન રાયે ત્રીજા લગ્ન કર્યા હતા. તેમની ત્રીજી પત્નીનું અવસાન રાજા રામમોહન રાયના અવસાન પછી થયું હતું.

રમાકાંત રાય ખૂબ જ રૂઢિચુસ્ત બ્રાહ્મણ હોવા છતાં તેમના પુત્ર રાજા રામમોહન રાયને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું. રાજા રામમોહન રાયનું બંગાળી અને સંસ્કૃત ભાષાનું શિક્ષણ ગામની શાળામાં થયું. 18મી સદીમાં મુઘલ સમ્રાટોના દરબારની ભાષાઓ ફારસી અને અરબી હતી. તેથી તેની ખૂબ માંગ હતી. રાજા રામમોહન રાયને ફારસી અને અરબી ભાષાઓના અભ્યાસ માટે બિહારના પટનાના મદરેસામાં મોકલવામાં આવ્યા. અહીંયા તેમણે ફારસી, અરબી ભાષાઓની સાથે સાથે ઇસ્લામિક સાહિત્ય અને કુરાનનો અભ્યાસ કર્યો.

શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજા રામમોહન રાય સંસ્કૃતનો અભ્યાસ કરવા પટના છોડીને બનારસ (કાશી) આવી ગયા. રાજા રામમોહન રાયે માત્ર 15 વર્ષની ઉંમરે જ બંગાળી, સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી ભાષા અને વિષયો પર ઘણું બધું જ્ઞાન અને પ્રભુત્વ મેળવી લીધું હતું. તેઓ ઝડપથી ભાષાઓથી કંટાળી ગયા અને અન્ય શાસ્ત્રોની સાથે વેદ અને ઉપનિષદ શીખવા લાગ્યા.

22 વર્ષની ઉંમરે રાજા રામમોહન રાય અંગ્રેજી ભાષાના પાઠ ભણાવવાના શરૂ કર્યા. તેમણે યુક્લિડ અને એરીસ્ટોટલ જેવા ફિલોસોફરોના લખાણો વાંચ્યા, જેમના કાર્યોએ તેમની નૈતિક અને ધાર્મિક સંવેદનશીલતાના વિકાસને પ્રભાવિત કર્યો. રાજ રામમોહન રાય અરબી, લેટિન અને ગ્રીક ભાષાના પણ ઘણા સારા જાણકાર હતા.

શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી રાજા રામમોહન રાય ઇસ્ટ ઈન્ડિયા કંપનીમાં કારકૂનની નોકરી કરતાં હતા. તે સમયના બંગાળ અને આજના બાંગ્લાદેશમાં આવેલા રંગપુરમાં કલેક્ટર ડીગ્બીએ તેમને નોકરીએ રાખ્યા હતા. રાજ રામમોહન રાયને દિવાન પદ પર પાછળથી બઢતી આપવામાં આવી. દિવાનનું પદ મહેસૂલ હવાલાવાળા સ્થાનિક અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતું હતું.

રાજા રામમોહન રાયના સામાજિક સુધારા

૧૮મી સદીના અંતમાં (જેને ક્યારેક અંધકાર યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે) બંગાળી સંસ્કૃતિ પર વિવિધ કુપ્રથાઓ અને કાયદાઓનો દબદબો હતો. સમાજમાં સ્ત્રીઓને નુકસાન પહોંચાડતી પ્રથાઓ, જેમ કે બાળ લગ્ન (ગૌરીદાન), બહુપત્નીત્વ અને સતી પ્રથા સામાન્ય હતી.

નાની છોકરીઓને દહેજથી બચવવા માટે તેમનાથી મોટા પુરુષો સાથે પરણાવી દેવામાં આવતી હતી જેથી આ પુરુષો તેમના જીવનસાથીના સતી બલિદાનનું ફળ મેળવી શકે. મોટાભાગે સ્ત્રીઓને બળજબરીથી અથવા નશો કરાવીને આવી ક્રૂરતાનો ભોગ બનવાની ફરજ પાડવામાં આવતી હતી.

સતી પ્રથા શું છે?

સતી પ્રથા ભારતીય કુપ્રથાઓમાં સૌથી ક્રૂર પ્રથા હતી. પતિના અંતિમ સંસ્કાર સમયે વિધવાઓ સ્ત્રીઓ સતી કરવામાં આવતી હતી. સતી થવાની મૂળ ધાર્મિક વિધિમાં સ્ત્રીઓ પાસે સતી થવું કે ન થવું તે પોતાનો નિર્ણય હતો પરંતુ તે ધીમે ધીમે ફરજિયાત બની ગયું. ખાસ કરીને બ્રાહ્મણ અને ઉચ્ચ જાતિના પરિવારોમાં સતી પ્રથા ફરજિયાત બની ગઈ.

સતી પ્રથા મુજબ જ્યારે કોઈ સ્ત્રીના પતિનું અવસાન થતું ત્યારે તે વિધવા થયેલ સ્ત્રીને જીવતી તેના પતિની ચિતા પર બેસાડવામાં આવતી હતી. અને તેના પતિની ચિતા સાથે તે વિધવા સ્ત્રીને પણ સળગાવવામાં આવતી હતી. જીવતી સળગતી સ્ત્રીની ચીસો ન સંભળાય તે માટે ચિતાની સામે ઢોલ અને નગારા વગાડવામાં આવતા હતા. સળગતી ચિતામાંથી સતી થનાર સ્ત્રી ભાગી ન જાય તે માટે ચિતાની ચારેકોર લાકડીઓ લઈને માણસો ઊભા રાખવામાં આવતા હતા. જે સતી થનાર સ્ત્રીને બળજબરીથી ચિતા પર બેસાડી રાખવાનું કામ કરતા હતા.

રાજા રામમોહન રાયે કેવી રીતે સતી પ્રથાને નાબૂદ કરી?

રાજા રામમોહન રાય ભારતીય સમાજના એક એવા સમાજ સુધારક હતા જેમના ઘરે જ સતી પ્રથાની ઘટના બની હતી. રાજા રામમોહન રાય કોઈ કામથી વિદેશ ગયા હતા ત્યારે જ તેમના ભાઈનું અવસાન થયું. તેમના ભાઈના અવસાન પછી સતી પ્રથાના નામે તેમની ભાભીને જીવતા સળગાવવામાં આવ્યા હતા. આ ઘટનાથી તેઓ ખૂબ જ દુઃખી થયા અને નક્કી કર્યું કે તેમની ભાભી સાથે જે થયું તે અન્ય સ્ત્રી સાથે ન થાય તે માટે રાજા રામમોહન રાયે સતી પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે જાહેરમાં તેમજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સુધી સતી પ્રથા વિરુદ્ધ પોતાના વિચારો વ્યક્ત કર્યા.

રાજા રામમોહન રાયના પદ અને સતી પ્રથા વિરુદ્ધ તેમની દલીલો, ઇરાદાઓ અને લાગણીઓ પ્રત્યે લોર્ડ બેન્ટિકની સહાનુભૂતિથી રૂઢિચુસ્ત ધાર્મિક સમુદાયના ભારે વિરોધ હોવા છતાં સતી પ્રથાને નાબૂદ કરતો કાયદો બંગાળ કોડ રેગ્યુલેશન XVII, AD પસાર કરવામાં આવ્યો હતો. જેને બંગાળ સતી રેગ્યુલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાયદાએ બંગાળ પ્રાંતમાં તેમજ સમગ્ર બ્રિટિશ ભારતમાં સતી પ્રથાનું પાલન ગેરકાયદેસર બનાવ્યું અને જો કોઈ પણ આવું કરતું જોવા મળશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેરાત કરવામાં આવી. આ કાયદાથી વિધવા સ્ત્રીઓના જીવનમાં નવો સૂર્યોદય થયો હતો.

રાજા રામ મોહન રાયના શૈક્ષણિક સુધારા

 રાજા રામ મોહન રોયે ભારતની શિક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર સહિત અન્ય વિજ્ઞાનન વિષયોને આવરી લેતી અંગ્રેજી ભાષાની શિક્ષણ પ્રણાલીની સ્થાપના માટે દબાણ કર્યું.

રાજા રામમોહન રાયે 1822માં એંગ્લો-ઇન્ડીયન સ્કૂલની સ્થાપના કરી, જેમાં ભારતીય અને પશ્ચિમી શિક્ષણનો સમાવેશ થતો હતો. 1826માં વેદાંતા કોલેજની સ્થાપના કરી જેમાં ભારતીય અને યુરોપીયન બંને ફિલસૂફીનું શિક્ષણ આપવામાં હતું.

રાજા રામમોહન રાયનું ધાર્મિક યોગદાન

રાજા રામમોહન રાય ધાર્મિક ગુરુઓ, સાધુઓ અને પૂજારીઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતી અતિશય ધાર્મિક વિધિઓ અને મૂર્તિપૂજાના સખત વિરોધી હતા. તેમણે અન્ય ધર્મોના ધાર્મિક ગ્રંથોની અભ્યાસ કર્યો અને દલીલ કરી કે ઉપનિષદ જેવા હિન્દુ ગ્રંથો એકેશ્વરવાદના વિચારને ટેકો આપે છે. ત્યારબાદ તેઓ જૂના વૈદિક શાસ્ત્રોના સિદ્ધાંતોને તેમના શુદ્ધ સ્વરૂપમાં આધુનિક સમાજમાં લાવવાના તેમના મિશન પર નીકળ્યા.

1828માં રાજા રામમોહન રાયે આત્મીય સભાની સ્થાપના કરી. 20 ઓગસ્ટ, 1828 ના રોજ નવા ધર્મની પહેલી બેઠક યોજાઈ. કોલકત્તામાં ઉપસ્થિત થયેલ તમામ બુદ્ધિજીવી સ્તરન લોકો એક સાથે મૂર્તિ પૂજા, જાતિવાદ જેવી તમામ ધાર્મિક અને સામાજિક સમસ્યાઓ પર ખુલીને ચર્ચા કરતા હતા. આત્મીય સભાએ તેનું નામ બદલીને બ્રહ્મ સભા રાખ્યું, જે પાછળથી બ્રહ્મો સમાજ બન્યો. આમ, બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહન રાયે કરી હતી. બ્રહ્મો સમાજના ત્રણ મુખ્ય સિદ્ધાંતો, એકેશ્વરવાદ, શાસ્ત્રોથી અલગતા અને જાતિ વ્યવસ્થાનો અસ્વીકાર હતા. બ્રહ્મો સમાજ હિન્દુ ધાર્મિક વિધિઓથી સંપૂર્ણપણે મુક્ત થયા પછી ખ્રિસ્તી અથવા ઇસ્લામિક પ્રાર્થનાની રીતો અનુસરીને બ્રહ્મો ધાર્મિક વિધિઓ સ્થાપિત કરવામાં આવી હતી. સમય જતા બ્રહ્મો સમાજ બંગાળમાં સામાજિક પરિવર્તન માટે એક શક્તિશાળી શક્તિ તરીકે વિકસિત થયો. ખાસ કરીને મહિલા શિક્ષણના ક્ષેત્રમાં બ્રહ્મો સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું હતું.

રાજા રામમોહન રાયનો વારસો

રાજા રામમોહન રાય 1815માં કલકત્તા આવ્યા અને તરત જ પોતાની બચતના પૈસાથી અંગ્રેજી કોલેજ શરૂ કરી કારણ કે તેઓ શિક્ષણને સામાજિક સુધારાઓ લાગુ કરવાના સાધન તરીકે જોતા હતા. તેમણે ફક્ત સંસ્કૃત શાળાઓ ખોલવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેઓ ઇચ્છતા હતા કે વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા અને વૈજ્ઞાનિક વિષયો શીખે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ભારતીયોને ગણિત, ભૂગોળ અને લેટિન જેવા આધુનિક વિષયો શીખવાની તક નકારવામાં આવે છે તો તેઓ પાછળ રહી જશે.

રાજા રામ મોહન રાયના આ વિચારને બ્રિટિશ સરકારે તેમના અવસાન પછી અપનાવ્યો અને અમલમાં મૂક્યો. રાજા રામ મોહન રાય માતૃભાષાના વિકાસના મહત્વ પર ભાર મૂકનારા સૌપ્રથમ વ્યક્તિ હતા. તેમનુ બંગાળી "ગૌડિયા વ્યાકરણ " તેમની શ્રેષ્ઠ ગદ્ય રચના છે. રાજા રામમોહન રાય પછી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવીન્દ્રનાથ ટાગોર જેવા બંગાળી લેખકો આવ્યા.

રાજા રામમોહન રાયને રાજાની ઉપાધિ કોણે આપી હતી?
રાજા રામમોહન રાય ઇસ્ટ ઈન્ડિયા કંપનીની નોકરી છોડીને મુગલ સમ્રાટ અકબર (બીજો) ના રાજદૂત બન્યા હતા. તેમની કામગીરીથી પ્રભાવિત થઈ તેમનું સન્માન કરવા મુગલ સમ્રાટ અકબર (બીજો) દ્વારા રાજા રામમોહન રાયને ‘રાજા’ની ઉપાધિ આપવામાં આવી હતી.

રાજા રામમોહન રાયનું પત્રકારત્વમાં યોગદાન 

રાજા રામમોહન રાયે પત્રકારીતાના ક્ષેત્રમાં બ્રહ્મ મૈનિકલ મેગેઝિનમાં સંપાદન કર્યું, 1821માં સંવાદ કૌમુદી, 1822માં મિરાત ઉલ અખબાર અને સૌથી વિશેષ બંગદૂત જેવી નામી અનામી પત્રિકાઓમાં પ્રકાશન અને સંપાદનનું કામ કર્યું.

રાજા રામમોહન રાયનું અવસાન

લોર્ડ વિલિયમ બેન્ટિકનો સતી કાયદો રદ ન થાય તે માટે રાજા રામમોહન રાય 1830માં ઈંગ્લેન્ડ ગયા. તેમણે મુઘલ સમ્રાટને ચૂકવવામાં આવતી રોયલ્ટી વધારવા માટે બ્રિટનની શાહી સરકારને અરજી કરી. રાજા રામમોહન રાયનું 27 સપ્ટેમ્બર, 1833 ના રોજ યુનાઇટેડ કિંગડમની મુલાકાત દરમિયાન સ્ટેપલટન બ્રિસ્ટલમાં મેનિન્જાઇટિસથી અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર બ્રિસ્ટલના આર્નોસ વેલે કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા હતા.

રાજા રામમોહન રાય પુસ્તકાલય ફાઉન્ડેશન ( Raja Ram Mohan Roy library Foundation)

રાજા રામમોહન રાયના 200 માં જન્મદિવસ પર ભારત સરકાર દ્વારા માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સંસ્કૃત વિભાગ હેઠળ 1973માં રાજા રામમોહન રાય પુસ્તકાલય ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.

રાજા રામ મોહન રાયના માનમાં બ્રિટિશ સરકારે તાજેતરમાં બ્રિસ્ટલમાં એક માર્ગનું નામ "રાજા રામમોહન વે" રાખ્યું છે.

Post a Comment

0 Comments